Monday 13 June 2016

Homeopathy in Skin Diseases - Gujarati

ચામડીનાં રોગ અને હોમિયોપેથી
    
આગળના લેખમાં હોમિયોપેથી કેવી રીતે શરદી-ખાંસી-દમ માં, દુખાવા માં અને લીવર નાં રોગમાં મદદરૂપ થઈ શકે છે તે વિશે આપણે જાણ્યું. આજે આપણે હોમિયોપથી, ચામડી નાં રોગ માં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે કંઇક જાણીએ.

ચામડી (ત્વચા) નાં કાર્યો

     મનુષ્ય નાં કૂલ વજન માં ચામડી નું વજન લગભગ ૧૬% જેટલું હોય છે, અને લગભગ ૨ ચો. મી. જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ત્વચા કૂલ ૨૦-૨૫ જાતનાં કાર્ય બજાવે છે, જેમા નાં ચાર મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે:
- રક્ષણ – ત્વચા ઘણી જાતનાં જીવાણુ ને શરીર ની અંદર દાખલ થતાં રોકે છે અને રક્ષણ કરે છે
- સંચાર – ત્વચા અતિ સંવેદનશીલ અંગ છે, જે બહાર ની દુનિયા સાથે સંચાર કરવામાં મદદરૂપ થાય છે
- તાપમાન નિયમન – ત્વચા ની સપાટી અને ત્વચા માં રહેલી પરસેવાની ગ્રંથિ શરીરનાં તાપમાનનું નિયમન કરે છે.
- ત્વચા, પરસેવા રૂપે વધારાનું પાણી, ક્ષાર તથા ઝેરી તત્વો ના નિકાસ નું પણ કામ કરે છે.

ચામડી નાં રોગ નાં પ્રકાર અને રોગ થવા નાં કારણ

     ચામડી નાં રોગ ઘણા પ્રકાર નાં હોય છે – સાદા જુદાં-જુદાં કલર નાં ડાઘ થી માંડી ને કેન્સર સુધી હોઈ શકે છે. સામાન્ય રીતે ડાઘ (discoloration, blemishes, chloasma, etc), ખીલ (acne, pimples), ખરજવું (eczema), સોરિઆસીસ (psoriasis), કોડ (leucoderma, vitiligo), ફુગ (fungal, pityriasis, ringworm etc.), શિળસ (urticaria, allergy) વિ. વધારે જોવા મળતાં હોય છે.

     ત્વચા, હવામાન માં રહેલાં ઘણા-બધા ઝેરી તત્વો થી આપણા શરીર નો બચાવ કરે છે. તેને શરીરનાં સંરક્ષણ ની પહેલી હરોળ (first line of defence) માનવા માં આવે છે. ત્વચા ની સંપૂર્ણ તંદુરસ્તી નો આધાર પૌષ્ટિક આહાર, પૂરતો આરામ, સારી આદત, અનુકૂળ હવામાન, પ્રફુલ્લિત મન વિ. છે. ઉપરોક્ત બાબત માં કોઈ પણ પ્રકાર નાં ફેરફાર ત્વચા રોગ ને આમંત્રણ આપી શકે છે. હોમિયોપેથી અને ચાઇનીઝ-મેડીસીન માં એવું પણ માનવા માં આવે છે કે જ્યારે પણ શરીર નાં મુખ્ય અવયવ જેમકે ફેફસું, શ્વાસ-નળી, લીવર, હોજરી-આંતરડું, લોહી વિ. નું કાર્ય નબળું પડે, ત્યારે તેનાં ચિન્હ ચામડી ઉપર પણ જોવા મળે છે. આ ઉપરાંત માનસિક ઉચાટ, તાણ, તકલીફ કે બીમારી પણ ચામડી નાં રોગ માં પરિણામી શકે છે (Psycho-somatic).

હોમિયોપેથીક સારવાર

     સામાન્ય રીતે બીજી બધી સારવાર પધ્ધતિ માં ચામડી નાં રોગ ને દૂર કરવા માટે તરેહ-તરેહ નાં લોશન, ક્રીમ કે ઓઇન્ટમન્ટ વાપરવા માં આવતા હોય છે. મોટા ભાગે આવી દવાઓ માં મુખ્યત્વે સ્ટીરોઈડ ઉમેરાયેલા હોય છે. સ્ટીરોઈડ વાળી દવા ચામડી ઉપર રહેલાં લક્ષણો ને દૂર કરી દે છે, પણ અંદરનાં  રોગને મટાડી શકતી નથી. થોડા દિવસમાં જ રોગ નાં ચિન્હ બીજી નવી જગ્યાએ દેખાવા માંડે છે, અથવા તો તે રોગ અંદર બીજાં અવયવ ને નુકશાન પહોંચાડે છે. દાખલા તરીકે ખરજવું અથવા તો સોરિઆસીસ ને દબાવી દેવાથી દમ લાગુ પડી શકે છે.  

     હોમિયોપેથીક દવા, દરદી નાં પગ થી માથા સુધીનાં ચિન્હ, તથા તેના સ્વભાવને પણ ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. આ રીતે પસંદ કરેલી દવા દરદીને અંદરથી સાજો કરે છે, અને તેની રોગ પ્રતિકારક શકિત ને વધારે છે. ચામડી નાં રોગને બહારથી થોડા સમય માટે ગાયબ કરવાને બદલે અંદરથી સંપૂર્ણ રીતે અને કાયમ માટે જડ-મૂળ થી મટાડે છે. તે ઉપરાંત શરીરનાં બીજાં મુખ્ય અવયવ નાં કાર્ય માં સુધારો કરી ચામડી નાં તથા અન્ય કોઈ પણ પ્રકાર નાં રોગને થતો અટકાવે છે. અને આમ, દરદી સાચા અર્થમાં તંદુરસ્ત કરે છે.


વધુ માહિતી માટે ક્લિનિક માં રૂબરૂ સંપર્ક કરવો. 

No comments:

Post a Comment